26/04/2019
મહિલા ઉદ્યોગ સાહસિકો માટે “WEE એકઝીબીશન”નો શુભારંભ
ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા મહિલાઓને ઉપયોગમાં લેવાતી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન ર૮ એપ્રિલ ર૦૧૯ સુધી સિટીલાઇટ સ્થિત માહેશ્વરી ભવન ખાતે ચાલશે
મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ મળે અને તેઓ પગભર થઇને પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે તે હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા સિટીલાઇટ રોડ સ્થિત માહેશ્વરી ભવન ખાતે આજથી ત્રિદિવસીય ‘વુમન આંત્રપ્રિન્યોર એકઝીબીશન– ર૦૧૯’નો શુભારંભ થયો છે. આગામી ર૮મી એપ્રિલ સુધી ચાલનારા આ એકઝીબીશનમાં મહિલાઓને ઉપયોગમાં લેવાતી વિવિધ વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી છે.
શુક્રવારે, તા. ર૬ એપ્રિલ ર૦૧૯ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે દીપ પ્રાગટયવિધી સાથે મીસિસ ગુજરાત ર૦૧૮ શ્રીમતી હેમાક્ષી વાનાવાલાના હસ્તે “વુમન આંત્રપ્રિન્યોર એકઝીબીશન– ર૦૧૯”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. ઉદ્ઘાટન સમારોહમાં પચ્ચીગર એન્ડ સન્સ જવેલર્સના ડાયરેકટર શ્રીમતી પુર્વીબેન પચ્ચીગરે અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવ્યુ હતુ. જયારે એમ.એસ.એમ.ઇ.ના ડાયરેકટર શ્રી કમલ સિંઘ અને આસિસ્ટન્ટ ડાયરેકટર શ્રી પી.બી. પરમાર તથા શ્રી સ્નેહલ પચ્ચીગર ઉપસ્થિત રહયા હતા.
ચેમ્બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જણાવ્યુ હતુ કે, ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા વર્ષ ૧૯૯૪થી મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ‘વી પ્રદશર્ન’નું આયોજન કરવામાં આવી રહયુ છે. દેશના આર્થિક વિકાસ માટે મહિલા ઉદ્યોગ સાહસિકોની સફળતા અગત્યની છે. આથી દર વર્ષે ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા ‘વુમન આંત્રપ્રિન્યોર એકઝીબીશન’ યોજાય છે, જે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહયું છે. તેમણે એમ.એસ.એમ.ઇ.ના અધિકારીઓને મહિલા ઉદ્યોગ સાહસિકોના વિકાસાર્થે નવી અસરકારક પોલિસી બનાવવા અને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
એમ.એસ.એમ.ઇ.ના ડાયરેકટર શ્રી કમલ સિંઘે જણાવ્યુ હતુ કે, મહિલા એસએમઇ માટે કામ કરવાનું જરૂરી છે. જયાં સુધી વુમન એમ્પાવરમેન્ટ નહીં કરીશું ત્યાં સુધી દેશનો ઉદ્ધાર થશે નહીં. મહિલાઓને તેઓની પ્રોડકટને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લઇ જવા માટે પણ ઘણી સ્કીમ છે. જો કે, એના માટે અવેરનેસની જરૂર છે. વુમન આંત્રપ્રિન્યોર્સ આગળ આવે તે માટે ચેમ્બર દ્વારા યોજાયેલા એકઝીબીશન માટે શુભેચ્છા પાઠવી સરકારની વિવિધ સ્કીમનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.
ઉદ્ઘાટક મીસિસ ગુજરાત ર૦૧૮ શ્રીમતી હેમાક્ષી વાનાવાલાએ જણાવ્યુ હતુ કે, મહિલા રોજગારને પ્રોત્સાહન આપી ગૃહઉદ્યોગને આગળ વધારવા માટે પ્રયાસ કરનાર ધન્યવાદને પાત્ર છે. મહિલાઓને તેઓના સંકલ્પને પૂર્ણ કરવા માટે હજી ઘણી મહેનત કરવી પડશે. આંખોમાં ધ્યેય અને વાણીમાં સ્વચ્છતા હશે તો સફળતા જરૂર મળશે.
શ્રીમતી પુર્વીબેન પચ્ચીગરે જણાવ્યુ હતુ કે, વી એકઝીબીશન થકી મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ મળ્યુ છે. પ્રદર્શનના આયોજન માટે ચેમ્બરને હુ શુભેચ્છા પાઠવુ છુ. શ્રી સ્નેહલ પચ્ચીગરે પણ ચેમ્બરની લેડીઝ વીંગને શુભેચ્છા આપી હતી.
લેડીઝ વીંગના ચેરપર્સન શ્રીમતી ઉષાબેન પી. શાહે જણાવ્યુ હતુ કે, ગત વર્ષે મહિલા ઉદ્યોગ સાહસિકોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ ૭ર સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આથી શહેરીજનોને ખાસ કરીને મહિલાઓને એકઝીબીશનનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.
‘વી પ્રદશર્ન’માં કન્ઝયુમર ડયુરેબલ્સ, ફેશન એન્ડ ફિટનેસ ઇકવીપમેન્ટ્સ, ઘરવખરીનો સામાન, ડ્રેસ મટિરિયલ્સ, ટ્રેડીશનલ ડ્રેસ અને સાડીઓ, ઇન્ટીરિયર ડેકોરેશનની ચીજવસ્તુઓ, ફૂડ એન્ડ બેવરેજિસ, રેડીમેડ ગારમેન્ટ્સ, સ્કીન એન્ડ હેલ્થ કેરની ચીજવસ્તુઓ, હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફટ, ફેશન એસેસરીઝ, જવેલરી અને ડિઝાઇનર લોન્જ વિગેરે વિવિધ સેગમેન્ટમાં મહિલાઓને ઉપયોગી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રદર્શન રવિવાર તા. ર૮ એપ્રિલ ર૦૧૯ સુધી સવારે ૧૧:૦૦થી સાંજે ૭:૩૦ સુધી ચાલશે.
લેડીઝ વીંગના સેક્રેટરી શ્રીમતી મયૂરીબેન મેવાવાલાએ ઉદ્ઘાટન સમારોહમાં પ્રાસંગિક વિધી કરી સર્વેનો આભાર માન્યો હતો.